જાણીતા ગુજરાતી ગાયક- સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

જાણીતા ગુજરાતી ગાયક- સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

જાણીતા ગુજરાતી ગાયક- સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

Blog Article

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું બુધવારે મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. ગુજરાત ગૌરવ પુરસ્કાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સંગીતકારે 20થી વધુ ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું. તેમણે સંગીતબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદય સુધી પહોંચ્યા હતાં.

તેમનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો. તેમના નિધનથી ગુજરાતી સંગીતજગતમાં ન પૂરાય એવી ખોટ પડી હતી. તેમના પરિવારમાં બે પુત્રીઓ વિરાજ અને બિજલ તેમ જ પત્ની ચેલનાબહેન છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપુર જેવા ઉચ્ચ કોટિના ગાયકો પાસે તેમણે ગુજરાતીઓમાં ગીતો ગવડાવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે “ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…ૐ શાંતિ…”

Report this page